જૂઠનો રફુગર (May 2014)

જૂઠનો રફુગર

(હરીશ નાયક)

- ફાટ્યા વસ્ત્રને સાંધે એવું, નજરે પડે ન સાંધો ફાટ્યા જૂઠને એમજ સાંધે, નવા સત્યનો બાંધો

ખાંસાહેબ અને પાછા લખનઉના એટલે ડિંગ હાંક્યા વગર કંઈ ચાલે ? એ ડિંગ પણ એવી ધડમાથા વગરની હોય કે ગધેડાને હસવું આવી જાય ! પણ હવે તો ખાંસાહેબને ગપ મારવાની એવી આદત પડી ગઈ કે છૂટતી જ ન હતી.
એક વખત રસ્તામાં એક ફકીરને ભીખ માગતો જોયો. ખાંસાહેબ કહે ઃ ‘અલ્યા ભીખ માગે છે એને બદલે કંઈ કામ કરતો હોય તો ?’
‘મને કોઈ રાખે તો જરૃર કામ કરું.’
‘શું કામ કરશે, બોલ ?’
‘હું જૂઠનો રફુગર છું.
‘હેં..! ખાંસાહેબથી બોલી જવાયું.
ફકીર કહે ઃ ‘હા ખાં સાહેબ ! હું જૂઠને એવી સરસ રીતે રફુ કરું છું કે તે સાચું જ લાગે.’
ખાં સાહેબને થયું કે ચાલો આ માનવીય કદીક કામ લાગશે. તેમણે એ ફકીરને નોકરીમાં રાખી લીધો. પણ તેઓ એ રફુગરની પરીક્ષા કરવા માગતા હતા. બંને જતા હતા. સામા મળ્યા મિયા અચ્છન. તેમણે તરત જ ખાં સાહેબને પૂછ્યું ઃ ‘કેમ કાલે કંઈ દેખાયા નહિ ખાં સાહેબ !
‘શિકારે ગયો હતો.’ ખાં સાહેબે પણ કહી દીધું.
‘શું કહો છો ? મિયાં અચ્છને પૂછ્યું ઃ ‘કોઈ શિકાર બિકાર હાથ લાગ્યો કે…?’
અને ખાંસાહેબે શરૃ કરી ઃ ‘અરે આપણે શિકારની પાછળ પડીએ પછી શિકારની ખેર છે કે બચી જાય ! અરે એક કદાવર હરણ હતું. ગોળી છોડી ધાંય ! ગોળી એવી તો હરણને વાગી કે તેના પગમાં થઈને, કાનમાં થઈને આરપાર નીકળી ગઈ. તેમ છતાં હરણ બિચારું જીવ બચાવવા ભાગ્યું. હું હરણની પાછળ દોડયો એટલામાં નદી આવી. શું જોઉં છું કે ગધેડાઓ નદી પાર કરવા પાણીમાં ઉતર્યા એ ખુદા ખુદા ! તમામ ગધેડાઓ સળગી ઊઠયા. અરે, ધુમાડો નીકળવા લાગ્યો ધુમાડો…’
‘શું ધડમાથા વગરની હાંકે રાખો છો ?’ મિયાં અચ્છને પૂછ્યું ઃ ‘હરણના પગમાં ગોળી વાગી તો પછી કાનમાંથી કેવી રીતે નીકળી ? અને પાણીમાં તે કંઈ ગધેડા સળગી મરતા હશે ?’
ખાંસાહેબ કહે ઃ જૂઠું નથી બોલતો પૂછો આ ફકીરને. એ પણ મારી સાથે જ હતો.
ફકીરને પોતાને તક મળેલી જોઈ તે કહે ઃ ‘હા ભાઈ ! મેં મારી નજરે જોયું. વાત એવી બની કે ખાં સાહેબે જ્યારે શિકાર પર ગોળી ચલાવી ત્યારે હરણ પાછલા પગે પોતાનો કાન ખંજવાળતું હતું એટલે ગોળી તે જ વખતે પગમાં થઈને કાનમાં પેસી ગઈ અને પેલા ગધેડા જે પાણીમાં પડયા તે બધા પર ચૂનો હતો સાહેબ ચૂનો. હવે કાચો ચૂનો તો પાણીમાં પડતાં જ ઊકળવા લાગે છે બિચારા ગધેડા દાઝી નહિ જાય શું ?’
મિયાં અચ્છન તો જવાબ સાંભળીને આભા બન્યા જ. પણ ખાં સાહેબ તો એવા ખુશ થઈ ગયા કે તરત જ તેમણે ફકીરનો વાંસો થાબડીને કહ્યું ઃ ‘અરે યાર ! તું તો ખરેખરો જૂઠનો રફુગર છે. અમારી જૂઠી વાતને પણ તું એવું રફુ કરે છે કે તે સાચી લાગે. અરે એમ જ બન્યું હશે એમ લાગે. આજથી હંમેશ તું મારી સાથે જ રહેજે.’
જેઓ પોતાની કળામાં નિષ્ણાત છે એ કંઈ કામધંધા વગરના થોડા જ રહે છે ?
જૂઠના એ રફુગરને કાયમનું કામ મળી જ ગયું અને તે પણ સાચું.

 

← દલા તરવાડી નંબર બે (June 2014) ટકોર કથા - ગરમ ટેકરી (May 2014) →

Leave A Reply