જાગૃત જીવન (February 2015)

દરેક માનવીએ મનમાં કોઇક ને કોઇક મનસૂબા કર્યા જ હોય છે. મારે કાંઇક થવું છે, મારે કાંઇક પામવું છે, મારે કોઇક પદ પર પહોંચવું છે, મારે મારી ઓળખ ઉભી કરવી છે. દરેકને એક જ થાય છે કે `મારું સ્ટેન્ડ ક્યાં?‘ દરેકને એમ જ હોય છે, `દુનિયા મારા ખિસ્સામાં છે!‘ ચાલે તો, દુનિયાના બધાને પોતાનો શબ્દ ઉવેખે નહીં તે હદે કાબૂમાં રાખવા છે, પરંતુ પોતે કોઇના તાબેદાર થવું નથી! આ ઘટમાળમાં જ જીવન વ્યતિત થઇ જાય છે, જિંદગી વીતાવી છે, પરંતુ તેમાં કોઇ ઊર્મિ નથી. ગતિ, પ્રગતિની સમજ જ નથી. સરવાળે તો તે અધોગતિના માર્ગે જ વિરમી જાય છે! પોતાની જાતને કયાં સુધી બનાવી શકતા નથી. કદાચ તમને ભલે એમ લાગતું હોય, પરંતુ અંતે તો તમારી જાતને છેતરો છો. અસત્યનું આચરણ, મગજને મનમાં આવતા તુક્કાઓ પ્રમાણે દોડાવવું અને પછી જિંદગીથી હાંફી જવું!

મનને આપણે આપણી મનગમતી રીતે જ લાડ લડાવી રહ્યા છીએ. તમામ દુન્વયી બાબતો પર મારો જ એકાધિકાર! પોતાની જાતને સ્વાર્થમાં જ મદમસ્ત રાખવી છે. પણ, આપણામાંના મોટા ભાગનાને ખબર જ નથી. પોતાને શું જોઇએ છે? શું પ્રાપ્ત કરવું છે? સિંહનું ચામડું ઓઢેલા આપણે ભીરુ છીએ. વસ્તુને નહીં, એક આભાસને તમે વળગી રહ્યા છો. આ જ બાબત તમને એકલવાયા કરી મૂકે છે. ઝાંઝવા પાછળની હરણફાળ આપણી જિંદગીના મહત્વનાં કર્મોને વિસારે પાડી દે છે. જિદંગીના કિંમતી વર્ષોને વિફળ બનાવી મૂકે છે.દરેકને એમ જ લાગે છે કે આપણે જિંદગી કોઇ નિશ્ચિત મુકામે જવા હરણફાળ ભરી રહી છે. પણ ભૂલી જઇએ છીએ કે આપણી અને સાંપ્રત સમયની દિશાઓ ભિન્ન માર્ગે ચાલી જાય છે. ભૂતકાળની ભવ્યતાઓને યાદ કરી પરબારા ભવિષ્યના કિલ્લાઓના ચણતર રચવાનું શરૂ કરીએ છીએ, અને એમાં જ વર્તમાનને ઠેબે ચડાવી દઇએ છીએ.

આપણને આપણા પોતાપણાની ખુમારી હોવી જોઇએ, અથવા તો સાંપ્રત સમયની સાથે સુસંગત જીવન હોવું જોઇએ. તો જ જયારે મૃત્યુ સમીપે હોઇએ ત્યારે તમામ મનસુબા પાર પડ્યા હશે. અધૂરી જીવાયેલી જિંદગીનો વસવસો નહીં રહે.

-કૌશિક અમીન

← હાસ્ય દર્પણ (February 2015) વૃષ્ટિ મારી પત્ની (July 2014) →

Leave A Reply