જાગૃત જીવન (February 2014)

આખરે મોક્ષ છે શું? કરોડો માનવી આ ધરતી પર જન્મે છે, જીવે છે, મરણ પામે છે. આમાંથી એકાદનો પણ બેડો પાર થાય છે ખરો? દરેક ધર્મ, ધર્મગ્રંથ પગદંડીઓથી લઈને ધોરી માર્ગ સુધીના મોક્ષ પ્રાપ્તિના માર્ગ દર્શાવે છે. દરેક ધર્મગ્રંથના પ્રેરક, દરેક જીવાત્મા પોતાના શરણે આવે તેવો સંદેશ આપે છે. આ પ્રેરક એટલે કે ઈશ્વર, અલ્લાહ, ગોળ, સુપ્રીમો, જગત નિયંતા તેમના આદેશને ‘માનશો તો તરી જશો’ ની જડબેસલાક ખાત્રી પણ આપે છે. વળી આ પ્રેરકની ફાટક દલાલી કરનારા ધર્મગુરુઓનો તો જાણે રાફડો ફાટી નીકળેલો છે. પેલા પ્રેરકને પામવા માટેની એમની ‘એજન્સી’ મોક્ષ પ્રાપ્તિ ઉપરાંત બ્રહ્મના રહસ્યો અને તમે પામર આત્મા સાવ નીચે ખાઈમાં કે અવ્ગુનોના કળણોમાં ખૂંપી ગયા છો તેમ ઠસાવી તેમાંથી ઉધ્ધાર કરવાની ખાત્રી આપે છે. પેલા પ્રેરક ભગવાન કરતાંયે આ ફટક દલાલ ગુરુઓના હાથ લાંબા છે. જેટલા ભક્તો તેટલા હાથ, પગ અને તેના પરની આંગળીઓ! બસ તમારે તેમની પગચંપી, ચસમપોષી કરવાની, તેમની આંગળી-હાથ ‘ફેવિકોલ’ લગાવીને જકડી રાખવાના! તો તમારો બેડો પર થયો જ સમજો.

આ ગુરુઓની આટલી કૃપા બાદ તમે ‘મોક્ષ’ ના આખરી લક્ષ સુધી પહોચો છો ખરા? ધરતી પરના કેટલા આ મોક્ષપ્રાપ્તિ કરી શકે છે? આ કવાયત આખી અર્થપૂર્ણ છે ખરી? આ ગુરુઓનો ધંધો ધમધોકાર ચાલે છે. પેલા પ્રેરક તત્વના નામે પારાવાર છેતરપીંડી ચાલે છે. જેણે સ્વપ્નમાંય ઈશ્વરને જોયો નથી તે તેમનો જીગરી યાર હોવાનો દાવો કરે છે!

ઈશ્વરની પ્રાપ્તિ દરેક માટે ગુરુશરણની નથી, તે સ્વાનુભૂતિની જ બાબત છે. ગુરુઓના ચમત્કારો તેમના ધંધાની જાહેરાત માત્ર છે. પાણી ઉપર ચાલવાની વાત હોય તે હાથમાંથી કે ફોટા ઉપરથી ભભૂતીની ઝરમર થવાની બાબત ધતિંગનો ભાગ જ છે. અને માનો કે તે ચમાત્કારો સાચા છે, તો તમારે એને શું ઘોળી પીવા છે? તેનાથી તો તમને સાક્ષત્કાર થવાનો જ નથી! આ ચમત્કારી પુરુષોને પણ ઈશ્વર પ્રાપ્તિ થઇ છે ખરી? આરાધના અને સિદ્ધિ બે અલગ બાબતો છે. તમારે-સાધકે નક્કી કરવાનું છે, શું જોઈએ છે?

એક હદ સુધી કદાચ ગુરુ ઉપયોગી થાય. ગુરુના નકશે કદમ ઉપર ચાલી પણ શકાય, પરંતુ અંતે તો તમારે તમારા પગ પર જ ચાલવાનું છે. ગુરુનું કર્મ હોકાયંત્રથી વધુ નથી. તેમની ભક્તિ-પૂજામાં અટવાઈ જવાનું નથી. ગુરુના ચરણ અને શરણ એ જીવનના આખરી લક્ષ હોઈ ન શકે. તે તમારી જીંદગી વેડફશે.

ગુરુ પણ શિષ્યોની સંખ્યા વધારવામાં જ અટવાયેલો, ભટકી ગયેલો આત્મા છે. ગુરુ-શિષ્યનું કર્મ એક બીજામાં અટવાઈને ભટકી જવાનું નથી.

મોક્ષનો માર્ગ, દરેકે પોતાને-સ્વને ઓળખીને જ ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવાનો છે.

← તો સિંહ અને શિયાળમાં શો ફેર? (February 2014) વીણેલા મોતી - વિજય ચોકસી (February 2014) →

Leave A Reply