જવાબદાર વ્યક્તિ ઠરવા માટેના પાંચ મહત્વના સુત્રો (March 2014)

સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ આરામ ભોગવતા એક અધિકારી અને તેમના પુત્ર વાતચીત કરી રહ્યા હતા. પિતાએ કહ્યું: ‘હું જવાબદારીથી ભાગતો રહ્યો, એટલે કોઈ પણ લફરામાં ન ફસાયો. વધારે ડાહ્યો વધારે ખરડાય! તું પણ દીકરા, આ વાત યાદ રાખીને જવાબદારીનું પોટલું સામેથી ઊંચકવા ન દોડી જતો !’

પપ્પાની વાત સાંભળી દીકરો આશ્ચર્યચકિત થઇ ગયો ! દેવમંદિરોનાં પગથિયાં ઘસતા પપ્પા, ધર્મકથાઓ અને પારાયણોનું ‘અમૃતપાન’ લારતા પપ્પા, કર્તવ્યો વિષે ભાષણો ઝાડનાર પપ્પાનો જવાબદારીની ભાવના વિશેનો આવો ખ્યાલ? પુત્રને પલાયનવાદનું આવું વિઘાતક કુશીક્ષણ?

પુત્ર નારાજ થઇ ગયો અને કશું જ બોલ્યા વગર ચાલ્યો ગયો!

ભારતના વિકાસમાં, પારિવારિક જીવનની પ્રસન્નતામાં, સંસ્થાગત કર્તવ્યોની અદાયગીમાં જો કોઈ ભયાનક અભિશાપરૂપ તત્વ હોય તો તે છે.જવાબદારીની ભાવનાને ખંખેરીને ચાલવાની જીવવાની પ્રવૃત્તિ. જવાબદારીનું પોટલું બીજાને માથે સિફતથી કેમ મૂકી દેવાય એની પેરવી અને પેંતરામાં માનસ રચ્યો-પચ્યો રહે છે! તપાસપંચો જુઓ કે ખાતાકીય ઇન્ક્વાઈરીઓ, અંતે મોટે ભાગે એનું તારણ શું આવે છે? અમુક માણસ એને માટે જવાબદાર નહોતો, તેથી એ નિર્દોષ છે. તો પ્રશ્ન થાય કે પછી જવાબદાર કોણ હતું? એ શોધવા માટે નવું તપાસપંચ રચો! ગુના છાવરવામાં આપણા દેશનો જોટો ભાગ્યે જ જડે!

જવાબદારીભર્યું જીવન જીવવું એ આજના સંદર્ભમાં સૌથી મોટો ધર્મ છે! માનવજીવન માટે ‘જવાબદારીની ભાવના’ એ જ ઈશ્વર છે, કર્તવ્યોની સન્નિષ્ઠ અદાયગી એ જ વ્રત છે અને સત્યનિષ્ઠા એ જ મહાપૂજા છે!

જવાબદારીની ગંભીરતા સમજ્યા સિવાય ફાઈલોમાં મુકાતી નોંધો, જવાબદારીની ભાવના સમજ્યા વગર થતાં પોલીસ ઇન્વેસ્ટીગેશન્સ, જવાબદારીની ભાવના સમજ્યા વગર કોઈને બદનામ કરવા ખાતર કરવામાં આવતાં નિવેદનો, અન્યની સલામતીની દરકાર રાખ્યા સિવાય બેફામ હંકારતા વાહનો, વિદ્યાર્થીની યોગ્યતાની તટસ્થ ચકાસણી કાર્ય વગર તપાસવામાં આવતી ઉત્તરવહીઓ, દર્દીને જીવતું પુતળું ગણીને આડેધડ અપાતી દાકતરી સારવાર, એને માથે ઝીંકાતા જાતજાતના ટેસ્ટ અને તપાસનાં તથા જરૂરી-બિનજરૂરી દવાનાં પ્રિસ્ક્રીપ્શનોનો મારો, બેજવાબદાર રીતે મીડિયા દ્વારા દેખાડવામાં આવતા વરવા દ્રશ્યો – આ બધું વ્યવસાયની પવિત્રતા કે આચરણની શુદ્ધતા માટે કલંકરૂપ છે. મનુષ્યની હત્યા! માણસ બહારની અદાલતથી દરે છે તેટલો અંદરની અદાલતથી ડરતો હોત તો કોર્ટનું અનેક ગણું કામ ઘટી જાત!

માણસને સ્વતંત્રતા છે વર્તવાની, નિર્ણયો લેવાની, કર્યો કરવાની! આ બધાની અસરો કેવળ માણસના અંગત જીવન પર જ નહીં, અન્યના જીવન પર પડવાની છે. મારો એક ફેંસલો કોઈને તારી શકે, કોઈને મારી શકે, કોઈને ઠારી શકે, કોઈને હરાવી શકે, કોઈને જીતાડી શકે! ખોટા નિર્ણયો પરિવાર, દેશ કે દુનિયાનું કેટલું બુરું કરી શકે છે, એના આંકડા માંડવામાં આવે તો જગત પોતાની જ મૂર્ખતા જોઈએ પાગલ થઇ જાય!

માણસને પોતાની ઇચ્છાઓના સ્વામી થવું ગમે છે. ગમવું જ જોઈએ, એમાં કોઈને કશો વાંધો પણ ન હોવો જોઈએ. પરંતુ માણસે પોતાની ઇચ્છાઓને ચકાસવાની પણ આદત કેળવવી જોઈએ. માણસની તરંગી ઇચ્છાઓ એને પોતાને ભારે પડે છે અને તેના કુટુંબીઓ અને સ્વજનો કે મિત્રોને પણ રાતોરાત પૈસાદાર થવા શેર-સટ્ટાના ચસકામાં સપડાતાં ઘણા માણસો બેજવાબદાર નિર્ણયો દ્વારા પાયમાલ થાય છે અને હતાશાનો અતિરેક તેમને આત્મહત્યા કે દેવાળું ફુકવાની સ્થિતિમાં હડસેલી દે છે. ઇચ્છાઓના તરવરિયા તોખારને લગામમાં રાખવાનો વિવેક શીખવતું કોઈ પણ પરિબળ હોય તો તે જવાબદારીની ભાવના છે! સ્વનીમન્ત્રિત દુઃખોની માતા છે જવાબદારીની ઉપેક્ષા નામની નારી! જવાબદારીની ભાવના સાથે થયેલી ભૂલ ક્ષમાપાત્ર હોઈ શકે, પણ જવાબદારીની ધરાર ઉપેક્ષા કરી નોતરેલી બરબાદી ક્ષમાપાત્ર જોઈ શકે નહિ.

ઘણીવાર ભટકતા કે રખડેલ પુત્રને ‘ઠેકાણે’ પાડવા માં-બાપ એવા તર્ક દોડાવતાં હોય છે કે એકવાર એનાં લગ્ન થઇ જવા દો, પછી ‘પારકી જણી’ આવતા એ સીધો દોઈ થઈ જશે! એક બેજવાબદાર યુવક સાથે યુવતીને એન ઠેકાણે લાવવા માટે પરણાવી દેવાની વૃત્તિ એ મા-બાપની જવાબદારીની ભાવના પ્રત્યેની બેજવાબદારી છે. એને કારણે અનેક કોડભરી કન્યાઓનું જીવતર ઝેર જેવું બની ગયાના દાખલા સમાજમાં શોધવા જવા પડે તેમ નથી! સંતાનો નહીં, મા-બાપો પણ જવાબદારીની ઉપેક્ષાના અભિશાપમાં ઘેરાયેલા હોય છે!

માણસનો દ્રષ્ટિકોણ, અભિગમ, રૂચિ અને ખ્યાલો તેના નિર્ણયો અને વર્તનમાં પ્રતિબિંબિત થતા હોય છે! એટલે જ અંગત જીવન કે સંસ્થા સંચાલનમાં માણસે પીઢતા અને પ્રૌઢતા દેખાડવી પડે છે. એક માણસ મૂલ્યનિષ્ઠ બની જવાબદાર નિર્ણય લે અને બીજા માણસ સંકીર્ણ મનોવૃત્તિ રાખી મૂલ્યોનો છડેચોક ભંગ કરી નિર્ણય કરે, એ બંને પ્રકારના નિર્ણયોની અસરો નાખી-નોખી હોય છે. વ્યક્તિઓ કે તેમના કહેવાતા માર્ગદર્શકના બેજવાબદાર નિર્ણયોએ અનેક લોકોમાં જીવનમાં પાયમાલી સર્જી છે. યુદ્ધો કરાવ્યાં છે, અર્થતંત્રને ખરાબે ચઢાવ્યું છે અને પેઢીઓની લીલામી કરાવી છે.

સંતો-મહંતો રીઝે એટલે ‘સફળ થજે’, ‘કીર્તિવાન બનજે’, ‘લક્ષ્મીવાન થજે’ – વગેરે આશીર્વાદ આપતા હોય છે પણ ખરેખર કોઈ વ્યક્તિને આશીર્વાદ જ આપવા હોય તો જીંદગીમાં તું જવાબદારીપૂર્વક વર્તજેના આશીર્વાદ આપવા જોઈએ. ઉચ્ચ પદવીધારી વિદ્વાન કરતા જવાબદારીથી મહેંકતો નાનો માણસ વધુ લાયક ગણાવો જોઈએ. મેન્ડલ સોહમ નામના કલાકારે જયારે બર્મિંગહામમાં પોતાનું વાજિંત્ર વગાડવાનું શરુ કર્યું ત્યારે તેણે જાહેરમાં કહ્યું હતું: ‘ જો હું મારી કલામાં કમજોર સાબિત થાઉં તો મને ફટ કહેજો, મને ખૂબ ડંખ મારજો, તમને મારું જે કાંઈ પસંદ પડે તેના વિષે મને કશું કહેશો નહીં, પણ નાપસંદ પડે તે કહેવાનું ક્યારેય ચૂકશો નહીં!’ આ છે પોતાના કાર્ય કે વ્યવસાય પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સ્વયંસ્વીકૃત જવાબદારીની ભાવના!

ધર્માચાર્ય તરીકે એક તરુણ વ્યાખ્યાનકારની નિયુક્તિ થઇ. એ તરુણ વ્યખ્યાન્કારને કશી જ તૈયારી વગર આડેધડ વ્યાખ્યાન ફટકારવાની ટેવ! હવે એ ધર્માચાર્ય બન્યો એટલે એનો હોદ્દો જવાબદારીભર્યો બન્યો અને એ જે કાઈ બોલે તેની પણ જવાબદારી વધી ગઈ.

ધર્માચાર્ય તરીકેના પ્રથમ વ્યાખ્યાનની જાતે જ સ્તુતિ કરતાં એ તરુણ ધર્માંચાર્યે વૃદ્ધ ધર્માચાર્યને કહ્યું: ‘મેં મારું આ વ્યાખ્યાન કશી જ તૈયારી કે ઊંડી વિચારણા વગર આપ્યું.’

વૃદ્ધ ધર્માંચાર્યે ઠાવકાઈપૂર્વક કહ્યું: ‘એ બાબતમાં તમે અને તમારા આજના શ્રોતાઓ એકબીજાને મળતા આવો છો. તેમણે પણ તમારા પ્રવચન વિષે કશો જ વિચાર કર્યો નથી!’ એ વાત સાચી છે કે સ્વામી બનવાની ઉતાવળ કરે છે તે ગુલામ બની જવાની સંભાવના વધારે છે. જીંદગીમાં જવાબદાર વ્યક્તિ ઠરવા માટેનાં આ રહ્યા પાંચ મહત્વનાં સુત્રો:

1.     જેમણે અસાધારણ ઠરવું હોય એણે અસાધારણ ઠરવું હોય એણે અસાધારણ જવાબદારી લેવા માટે ક્યારેય પીછેહઠ કરવી જોઈએ નહીં.

2.     જે માણસો પોતાની ઇચ્છાઓ, વૃત્તિઓ, આવશ્યકતાઓ અને અનુકુળતાને વફાદાર રહી જવાબદારીની ભાવના ઉવેખે છે, તેઓના શબની રાખને સંઘરવાનો સ્મશાનગૃહોને પણ અફસોસ થાય છે. જવાબદારીપૂર્વક જીવવા માટે જીગર જોઈએ.

3.     સાનુકુળ પરિણામને મહત્વ આપ્યા કરતા જવાબદારીપૂર્વકની કર્તવ્ય અદાયગી કરનાર પોતાનું કાર્ય શ્રમ, ધૈર્ય, ખંત અને નેકીથી કરે છે, એની નોંધ જગતના ચોપડે લેવાય કે ન લેવાય, કુદરતના ચોપડે અવશ્ય લેવાય છે.

4.     માણસના હૃદયમાં સૌથી પહેલું અરમાન માણસ બનવાનું હોવું જોઈએ, એ પછી બાકી બધું જ.

5.     મારે મોટા નથી થવું, મારે જવાબદાર બનવું છે – એ આદર્શ મનની દીવાલ પર જાતે લખી નાખો.

← આયુર્વેદ - વ્યાયામ (March 2014) તંત્રી લેખ (March 2014) →

Leave A Reply