આયુર્વેદ – દિનચર્યા (February 2014)

પ્રયોજનમ ચાસ્ય સ્વસ્થ્સ્ય સ્વાસ્થ્યરક્ષન્માંતુરાસ્ય ।

વિકાર પ્રશમનં ચ (ચ.સુ. 30/26)

ઇહ ખાલ્વાયુર્વેદ પ્રયોજનમ-વ્યાધ્યુપસુષ્યનામ ।

વ્યધિપરીમોક્ષ, સ્વસ્થ્સ્ય રક્ષણમ ચ ।।‘ (સૂ. સૂ.-1/13)

આયુર્વેદનો મુખ્ય ઉદેશ્ય: વ્યક્તિના સ્વાસ્થ્યની રક્ષા તથા રોગોથી બચાવવાનો છે. સ્વસ્થ રહેવું તથા સ્વાસ્થ્ય બગાડવું તે ત્રિદોષ ઉપર નિર્ભર કરે છે. તેથી જ આ દોષોની સમાન અવસ્થામાં રહે એટલા માટે દિનચર્યા, રાત્રીચાર્યનો ઉલ્લેખ કરેલ છે, અને તે મુજબ આચરણ કરવાથી સ્વાસ્થ્યની રક્ષા થાય છે. તેથી જ રોગોનાં આક્રમણથી બચી શકાય છે. આજે આપને દિવસ દરમ્યાન શું-શું કઈ રીતે કરવું તથા શા માટે કરવું જોઈએ તે વિષે ચર્ચા કરીશું.

ઉઠવું: ‘બ્રહ્મ મુહુર્ત ઉતીષ્ઠેજમીર્ણ નીરુપયન ।’ (અ.સ. સુત્ર-3/3)

સ્વસ્થ વ્યક્તિએ બ્રહ્મ-મુહુર્તમાં (સૂર્યોદય પહેલાં બે કલાક) ઉઠવું જોઈએ. આ સમય શુભ માનવામાં આવે છે. આ સમયે વાતાવરણમાં દરેક જગ્યાએ સ્વચ્છતા, શાંતિ અને પ્રસન્ન્તા જોવા મળે છે. બુદ્ધિ તથા મન ફ્રેશ હોય છે અને થાકેલા પણ નથી હોતા. માટે જ આ સમયે કંઈપણ યાદ રાખીએ છીએ તો તે સ્મરણમાં રહે છે. આ સમયે ઉઠવાથી શૌચ વગેરેનો સમય પણ પુરતો મળે છે આથી રોગ થતો નથી અમે આયુષ્યની રક્ષા થાય છે. આંખ ખોલતાની સાથે થોડી મીનીટોની અંદર બેઠા થવું જોઈએ અને ત્યારબાદ પથારીમાં જ આપણે આપણી હથેળી જોવી જોઈએ. અને ‘ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, શુભપ્રભાતે કર દર્શનમ…’ એમ બોલવું જોઈએ, કારણકે હાથની આંગળી ઉપર લક્ષ્મીજીનો વાસ છે. હાથની નીચે સરસ્વતીજી રહે છે. હાથના મધ્યભાગમાં ગોવિંદ (કૃષ્ણ) રહે છે. આથી આપને લક્ષ્મી, વાણી તથા શક્તિ પ્રાપ્ત કરવા માટે સવારમાં આપણી હથેળી જોવી જોઈએ. પછી તે હાથ આંખ, માથું, તથા છાતી ઉપર ક્રમશ: મુકવા જોઈએ. હાથ ફેરવવો જોઈએ.

પછી ઈષ્ટદેવનું થોડી મીનીટો માટે સ્મરણ કરવું જોઈએ. સાથે પ્રાર્થના કરવી જોઈએ કે મારો આજનો દિવસ શુભ જાય. આજ મારાથી શક્ય તેટલાં વધારે સારા કામ થાય. મારાથી કોઈને દુઃખ ન પહોંચે કે કોઈને નુકસાન ન થાય. ત્યાર પછી જમણા હાથથી ફર્શને અડી પ્રણામ કરી પછી ફર્શ ઉપર પગ મુકવો. (કારણ કે ધરતીને પણ માતા માનવામાં આવે છે.) આ ઉપરાંત દોષો મુજબ ઉઠવાનો સમય આયુર્વેદમાં કહેવામાં આવ્યો છે. તે મુજબ પાલન કરવાથી સ્વાસ્થ્ય ઉપર વધારે સારી અસર થાય છે.

વાયુ પ્રકૃત્તિ                                             પિત્ત પ્રકૃત્તિ                                                             કફ પ્રકૃત્તિ

6 વાગ્યે-સવારે                                       5:30 વાગ્યે-સવારે                                                 4:30 વાગ્યે-સવારે

મોઢું ધોવું: પથારી છોડ્યા પછી બધી ઋતુમાં સ્વચ્છ પાણીથી મોઢું ધોવું જોઈએ. તેનાથી આંખ, નાક, મોઢા તથા ચહેરા પર જામી ગયેલી ગંદકી સાફ થઇ જાય છે. તથા સુસ્તી દૂર થઇ જાય છે. તેમજ તાજગી આવે છે. ઠંડી ઋતુમાં નવસેકા પાણીથી મોઢું ધોઈ શકાય છે.

ત્રિદોષ માટે: એક કપ પાણીમાં 1/4 ચમચી ત્રિફલા નાંખી રાત્રે તાંબાના વાસણમાં પલાળી સવારે ઉપરનું પાણી લઇ આંખ ધોવી.

પિત્ત હોય તેના માટે: ઠંડુ પાણી અથવા ગુલાબજળથી આંખ ધોવી. કફ માટે ક્રેન્બેરી જ્યુસ 3 થી 5 ટીપાં એક ચમચી પાણીમાં નાખી તેનાથી આંખ ધોવી.

ઉષ: પાન: પ્રત્યેક વ્યક્તિએ સવારે ઉઠીને ઓછામાં ઓછુ એક ગ્લાસ તથા વધારેમાં વધારે 4 ગ્લાસ ઠંડુ પાણી પીવું જોઈએ. શક્ય હોય તો રાત્રે પાણી તાંબાના વાસણમાં રાખી સવારે પીવું વધારે યોગ્ય છે. તેથી શરીરનાં વિષજ તત્વો બહાર નીકળી જાય છે. આથી અનેક રોગોથી છુટકારો થાય છે. આને જ ઉષઃપાન કહેવામાં આવે છે.

ઘણા લોકો પાણીની જગ્યાએ ચા-કોફી પીવે છે અને લોકોનું માનવું છે ક ચા-કોફી પીવાથી મળ-મૂત્રનો ત્યાગ કરવાની ઈચ્છા થાય છે. પણ હકીકતમાં ચા આંતરડા ઉપર દબાણ કરીને ઉત્તેજિત કરે છે તેથી મળત્યાગની ઈચ્છા થાય છે. પણ થોડા દિવસો પછી ફરી કબજિયાતનો પ્રોબ્લેમ શરુ થઇ જાય છે. આ ઉપરાંત ચા-કોફીમાં મળતો કોફીન નામનું તત્વ જે અમાશય તથા આંતરડાની ગ્રંથી ઉપર ખરાબ અસર કરે છે. પણ ઠંડા પાણીની કોઈજ ખરાબ અસર થતી નથી. હા, શરદી, ઉધરસ, તાવ તથા ગળું ખરાબ હોય ત્યારે નવસેકા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

શૌચક્રિયા: આજની તનાવવાળી જિંદગીને કારણે કબજિયાત એ એક મહાપ્રશ્ન (મહારોગ) થઇ ગયો છે. જે મોટાભાગનાં લોકોમાં થોડા-ઘણા પ્રમાણમાં જોવા મળે છે.

(1) રાત્રે જમેલા ભોજનનું પાચન બરાબર ન થવું, (2) નિંદર પૂરી ન થવી, (3) વધારે પડતી ચિંતા, (4) ક્રોધ, (5) સંવેદનશીલ તથા અસંતુલિત સ્વભાવ, (6) સમયનો અભાવ.

ઉપરના બધા કારણોથી અથવા વાયુ વર્ધ તેવું ભોજન (તળેલા પદાર્થ-કઠોળ-વાસી ખોરાક વગેરે) કેવાથી રાત્રે વાયુ આંતરડામાં જમા થઇ જાય છે. અને તેને કારણે મળત્યાગની ગતિમાં અવરોધ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત ધંધા-સર્વિસ જવાની ઉતાવળને કારણે વ્યક્તિ મળત્યાગની ક્રિયાની ઉપેક્ષા કરે છે. આથી પેટ, પૂરેપૂરું સાફ થતું નથી. તેથી ભૂખ લાગતી નથી તેમજ ગેસ, અપચો, માથું દુ:ખવું,ઉદાસી, ગળાની, બેચેની, થાકી જવું, સુસ્તી, નીંદર ન આવવી વગેરે ફરિયાદો શરુ થઇ જાય છે. વધારે પડતો વાયુ એકઠો થવાથી હૃદય ઉપર દબાણ આવે છે અને હૃદયના ધબકારા વધી જાય છે. વધારે સમય કબજિયાત રહેવાથી શરદી, શ્વાસ, હરસ, સાંધાનો દુઃખાવો, વા જેવા ભયંકર રોગો આવી શકે છે. આથી દરેક વ્યક્તિએ દરરોજ નિયમિત રૂપમાં મળત્યાગ કરવો જરૂરી છે. કબજિયાત ન રહે તે માટે કેટલીક સાવધાની રાખવી જોઈએ.

1.     વાયુકારક પદાર્થ (ભારે દાળ, રાજમા, ચણા, અડદ, ચણાની દાળ, તળેલા પદાર્થ વિગેરે) ઓછામાં ઓછી માત્રામાં લેવા જોઈએ.

2.     પાંદડાવાળા શાકભાજી (પાલક, મેથી, મૂળા, સુવા વિગેરે) દુધી, ચોળા, સૂરણ, પપૈયું તથા બીજા રેસાવાળા પદાર્થ વધારે માત્રામાં સેવન કરવું જોઈએ.

3.     એકથી વધારે વખત મળત્યાગ માટે જવું પડે તો જવું જોઈએ, રોકવું ન જોઈએ.

દાંત સાફ: કડવો, તૂખો, તૂરો, લવણ, રસવાળી, ટુથપેસ્ટ વાપરવી કેમકે આ રસો જંતુનાશક છે.

જીભ: જીભના મૂળમાં બહુજ મેલ હોય છે.તેથી તેને ઉપરથી નીચેની તરફ સાફ કરવી જોઈએ। તે આપના અંદરના અવયવોને ઉત્તેજિત કરે છે. જે પાચનમાં મદદ કરે છે.અને મરેલા જંતુને પણ કાઢી નાખે છે.

ગંડુષ (કોગળા): દાંત સાફ કાર્ય પછી મોઢામાં તલનું અથવા સરસવનું તેલ ફેરવવાથી અથવા હળવા હાથે મસાજ કરવાથી દાંત અને પેઢા મજબૂત થાય છે. તથા દાંતમાં દુઃખાવો થતો નથી. દાંતમાં ઠંડા-ગરમની ખબર પડે છે. નિયમિત રીતે કોગળા (ગંડુષ) કરવાથી ગળાનું સુકાવું તથા હોઠોની ફાટવાની ફરિયાદ દૂર થાય છે. (અઠવાડિયામાં એક વખત જરૂર કરવું.)

નસ્ય: નાકને માથાનો દ્વાર માનવામાં આવે છે.એટલે નાકમાં નોખેલું ઔષધ એક-એક અણું સુધી પહોચે છે. આથી દાંત સાફ કાર્ય પછી નાકમાં તેલના ટીંપા નાખવામાં આવે છે. માથાને ખુરશીના ટેકે રાખીને અને થોડું નમાવી ડ્રોપરથી તેલ (ગરમપાણીમાં રાખીને અથવા વરાળમાં ગરમ કરીને) બે ટીંપા બંને બાજુના નાસામાં નાખવા જોઈએ. અને શ્વાસ ઉપર લેવો જોઈએ. એક નાસામાં તેલ નાખો ત્યારે બીજી બાજુનું નાસા હાથથી બંધ કરવું જોઈએ. આનાથી કફ તથા બાજુ પ્રવાહી બહાર નીકળે છે જે થૂંકી નાખવું જોઈએ. ટીંપા નાંખી પછી 1 થી 100 સુધી ગણો ત્યાં સુધી માથું લટકાવી રાખવું જોઈએ. સુવું ન જોઈએ. આ નસ્યથી ડોકની ઉપરના બધા જ રોગો નષ્ટ થઇ જાય છે. આના માટે નસ્ય તેલ, અણુ તેલનો ઉપયોદ કરવો.

માથામાં તેલ નાખવું: માથામાં રોજ નાળીયેર તેલ અથવા તલનું તેલ નાખવું જોઈએ. આનાથી વાળ ખરવા, સફેદ અથવા ભૂરા થવા, ટાલ પડવી, માથાનો દુઃખાવો, માથાની ચામડી ફાટવી તથા બીજા વાયુના રોગો નાશ કરે છે.

માથું, આંખ, કાન વગેરે ઇન્દ્રિયોને બળવાન કરે છે. વાળ લાંબા, કાળા તથા મજબૂત થાય છે. તથા ચહેરાની ત્વચામાં ચમક આવે છે. તલનું તેલ માથામાં માલીશ કરવાથી નીંદર ગાઢ આવે છે.

તેલ માલિશ: જેવી રતિએ મશીનમાં તેલ નાખવાથી મશીન મુલાયમ અને મજબૂત રહે છે. તેવી રીતે શરીર ઉપર તેલ માલીશ કરવાથી શરીર શક્તિશાળી અને ચામડી કોમળ રહે છે અને વાયુથી થતાં રોગો અટકાવે છે. કારણકે ચામડી એ વાયુનું સ્થાન છે. ચામડીમાં રોમફૂપો વધારે હોય છે. જેમાં પિત્તની ગરમી હોય છે. આથી ચામડી ઉપર લગાવેલ તેલ શરીરની અંદર જાય છે અને વાયુને શાંત કરે છે. આ ઉપરાંત વૃદ્ધાવસ્થા, થાક તથા ચામડીની કરચલી, શુષ્કતા નષ્ટ થાય છે. દ્રષ્ટિ નિર્મળ, શરીર પુષ્ટ, ત્વચા મુલાયમ, કોમળ અને આકર્ષક બને છે. શરીરની દુર્ગંધ, મૈલ, ખંજવાળ, પરસેવાની વાસ, તન્દા તથા સુસ્તી દૂર થાય છે. તૈલ માલિશ રોમની દિશામાં કરવું જોઈએ. આ માલિશ ધીરે ધીરે કરવું જોઈએ. તડકામાં તૈલમાલિશ કરવાથી જલ્દીથી શરીરમાં ઉતારી જાય છે.

કાનમાં તેલ: કાનમાં રોજ તેલ નાખવું જોઈએ. તેનાથી જોરથી સંભાળવું., બહેરાશ, કાનનાં રોગો (વાયુથી થવાવાળા) મ્ન્યાસ્તંભ જેવા રોગો થતા નથી.

પગમાં માલિશ: પગમાં તેલ માલિશ કરવાથી પગની રુક્ષતા, શીથીલતા, થાક, ખોટું પડી જવું, પગ ફતવા, પગની રક્તવાહીની તથા સ્નાયુઓનું સંકુચિત થવું, ગ્રધસી (સાયટીકા) તથા અનેક વાતરોગોનો નાશ કરે છે. આંખનું તેજ વધે છે. આથી જ આપણાં વડીલો આને એક ધર્મનું અંગ માની મળમૂત્ર ત્યાગ પછી, ભોજન પહેલા પગને તથા હાથને સારી રીતે ધોઈને લુચવાનું તથા સવારે ન્હાતા પહેલા તેલ માલિશ કરવાનું કહેતા હતા.

← વીણેલા મોતી - વિજય ચોકસી (February 2014) દેશ અને દુનિયા (February 2014) →

Leave A Reply