અડધો માણસ હેનર – ડીન (March 2014)

રાજાએ મલ્લ બનવું પડે.

રાજા કસાયેલો, કુસ્તીબાજ, લડાકુ, વિજેતા હોય તો રાજ્ય કરી શકે. નબળા દુબળા રજાઓ રાજ કરી જ શકે નહિ.

રોમન ગ્રીકના રજાઓ એવું જ માનતા. તેથી જ સિકંદર જેવા દુનિયા જીતી શક્યા હતા.

ગ્રીકનો એવો જ એક અલમસ્ત રાજા હતો એલેક્સીન. આપણે તેને લેક્સીન કહીશું. તે લડી લડીને બળવાન બન્યો હતો. રોજ અખાડામાં કુસ્તીદંગલ યોજતો. પોતે જ પડકાર ફેંકતો : ‘મારી સામે લડવૈયો ફેંકો. હું કુસ્તીદંગલ રમીશ. જે જીતે તેની જીત.’

મોટા ભાગે તે જ જીતતો.

જીતી જીતીને તે અજેય બન્યો હતો. સમ્રાટ બન્યો હતો. કસાયેલ કાબેલ કુસ્તીબાજ બન્યો હતો. તેને એ વાતનો ગર્વ હતો.

તે દરબાર ભરીને પૂછતો: ‘દુનિયામાં હવે કોઈ બાકી છે લડનારો?’

કોઈ શું બોલે? પણ એક ઘરડાં વાજીરથી બોલી ગયું. ‘હા હા….’

‘શું કહેવા માગો છો? તમે જાણો છો એવા કોઈ મલ્લને?’ અગડબંબ એલેક્સીને પૂછ્યું: ‘જેને જીતી શકાય નહિ?’

વૃદ્ધ વજીરે પાછુ કહી દીધું: ‘હા… હા….’

બોલ નહિ તો …

‘એક છે ખરો…..’

‘કોણ છે…..?’

‘એકાકી ટાપુ પરનો, અડધો માણસ.’

‘અડધો માણસ?’ રાજા ખબખબ્યો. ‘અડધો માણસ? તેને શું કોઈ જીતી શક્યું નથી?’

વજીરે પાછુ કહી દીધું: ‘હ-હ….’

હમહમ્યો રાજા કહે: ‘મને તેનું નામ-ઠામ આપો.’ હું તેને પડકારીશ? ક્યાં રહે છે તે?’

‘અંદર. ઠેઠ અંદર. અંતરામમાં. જ્યાં કોઈ પહોચી શકે નહિ…’

‘હું પહોંચીશ.’ રાજા કહે: ‘હુ લડીશ, કેવી રીતે લડે છે તે?’

વજીર કહે: ‘સાવ નાનકડો લાગે છે. જાણે અબઘડી જીતી લઈએ. જીતાય પણ ખરો. દર વખતે તે જ હારે. હરતો જાય. હારતો જાય!’

વજીર કહે: ‘અને એમ જ જીતી જાય.’

એલેક્સ એવો ગુસ્સે થયો કે વજીરનો હાથ પકડીને કહે: ‘લઇ જા મને. અત્યારે જ. એ એના મનમાં સમજે છે શું? ચાલ.’

જહાજ ભરદરિયે આગળ વધતું રહ્યું. વજીરજી વિગતો આપતા જ રહ્યા. ‘એને જીતવો સહેલો નથી. કેમ કે એ હારતો જ રહે છે, હારતો જ રહે છે, હારતો જ રહે છે.’

‘કેટલીવાર કહેશો એકની એક વાત વજીર?’

‘એટલા માટે કે…..’

રોબદાર રાજા કહે: ‘ચુપ’

પહોચ્યું જહાજ. અંદરના ટાપુ પર. નાનો ટાપુ પણ સમૃદ્ધિ ભારે. અરે રાજા ય નાનો સરખો. આમ મોટો હશે, પણ લાગે નાનો. આમ તેની કયા પુરેપુરી પણ આમ અડધો જ ભાસે, અડધો માણસ.

આપણા સદા વિજેતા ક્વાયતી મલ્લ રાજવી એલેક્સીએ હસી દીધું: ‘હ હમહ હ’ વજીરે માત્ર એટલું જ કહ્યું: ‘હ-હ’ એલેક્સ કહે: ‘આની સાથે લડવાનું? આ અડધા સાથે?

વજીર કહે: ‘આ અને હ-હ….’

કુસ્તીદંગલ શરુ થયું.

અડધાની શી વિસાત?

રાજાએ ‘હેનર-ડીન’ ને ઉઠાવીને ફેંકી દીધો. હા, ટાપુના ટીપુ સુલતાનનું એ જ નામ હતું: ‘હેનર-ડિન-અડધો માણસ.’

એક વખત ફેંકયો હેનર-ડીન.

બીજી વખત ફેંકાયો.

ત્રીજી વખત, ચોથી વખત.

રાજા અડધાને ફેંકે. પાસે જાય. ફરી ફેંકે. પાસ જાય, ફેંકી દે!

કંઈક વાર ‘અડધો’ ફેંક્યો, પણ જીત્યો નહિ. દરેક વખતે પોતાની ‘હાર’ થી જ તે બળિયો બનતો હતો.

રાજાને ખબર પડતી નહી. હેનર-ડીનનું બળ ધીરે ધીરે વધે જતું. વધે જતું.

તેની સંપૂર્ણ હર થાય, ત્યારે જ એલેક્સીન જીતેલો કહેવાય. પણ ‘અડધા’ની તેની સપૂર્ણ હાર થાય, ત્યારે જ એલેક્સીન જીતેલો કહેવાય. પણ ‘અડધા’ની તો ‘હાર’ જ જીત હતી. દરેક ‘હાર’ તેનો ‘ભાર’ વધારી જતી.

તે જાણે કે મોટો થતો હતો. મોટો, મોટો, મોટો, મોટો. એટલે સુધી કે રાજાની સમાન થઇ ગયો તે.

રાજાએ તેમ છતાં તેને જીતી લીધો.

‘હેનર-ડીન’ રાજાથી સહેજ મોટો થયો.

રાજાએ તેને જીતી લીધો.

હેનર-ડીન વળી વધુ મોટો થયો.

રાજાએ તેને પણ જીતી લીધો.

એ રીતે એ ‘અડધો’ એટલો મોટો થઇ ગયો કે રાજા તેને ઉપાડી શક્યો નહિ. તકલીફ પડી. પછી તો તકલીફ વધી.

જોતજોતામાં ‘અડધો માણસ’ રાક્ષસ બની ગયો કે શું? દૈત્ય? દાનવ? શેતાન!!!

રાજા એલેક્સીનને માટે તેને પાડવો અઘરો પડ્યો.રાજા જાતે જ દબાવા લાગ્યો. દબાતો ગયો, દબાતો ગયો, દબાતો જ ગયો.

અને હવે ‘હેનર-ડીન’ નો વારો હતો. તેને ઉપાડી ઉપાડીને રાજાને પછાડવા માંડ્યો. પટકવા માંડ્યો. ઝીંકવા માંડ્યો. અફાળવા માંડ્યો.

રાજા ઉઠી શકે નહિ.

ઉઠવા જાય તો લથડિયા ખાય!

ટાંટિયા એકી-બેકી રમી જાય!

કાયા કંપી ઉઠે, દેહ ધ્રુજી ઉઠે.

ઊઠે અને પડે.પડે અને ઊઠે.

પેલો અડધિયો દુનિયા જીતનાર આ મલ્લને પછાડે જ જાય!

રાજાના મોઢામાંથી લાળ નીકળી ગઈ. તેના નાકમાંથી પ્રવાહી બહાર આવતું થયું. તેની આંખો ગંગા-જમના વહાવવા લાગી.

સમજો કે રાજા ખતમ થયો જ હતો. હહડીને હારી જ ગયો હતો.

ત્યાંજ વજીરે જોરથી કહ્યું: ‘હ…હ….’

થોડી વાર રહીને વધારે જોરથી કહ્યું: ‘હ….હ….’

એટલી પ્રેરણા પુરતી હતી. રાજામાં જોશ આવ્યું. જોમ આવ્યું. તાકાત આવી. તે બળિયો હતી જ, બળિયો બન્યો.

ઉભો થયો.

ઉપાડ્યો અડધાને. ફેંકી દીધો દૂર.તેની પાસે જઈ જઈને તે ફેંકતો જ રહ્યો. ફેંકતો જ રહ્યો.

અંતમાં રાજા એલક્સીન વિજેતા સાબિત થયો. તે વિશ્વવિજેતા બની રહ્યો. હવે તે દૂર જઈ શકે તેમ ન હતું. પેલો ‘અડધો’ અહી આવી શકે તેમ ન હતું.

વજીરે કહી દીધું: ‘હ…હ…’

તેણે રાજાને ઉઠાડ્યો. પસવાર્યો , પંપાળ્યો, માલીશ કરી, પાલીસ કરી, પોટીસ કરી, ફોટીસ કરી, હવા નાખી, પંખો નાખ્યો. પછી હળવે રહીને કહ્યું : ‘બચી ગયા રાજાજી, તમે ખરેખર બચી ગયા. નહીતો….’

રાજા એલેક્સીને પૂછ્યું : ‘નહિ તો…..શું?’

આખી ગુલામોની વસ્તી તરફ આંધળી ચીંધી વજીર કહે: ‘નહિ તો તમારે ય ગુલામ બની જવું પડત. કંઈક મલ્લો હારી હારીન અહીંના ગુલામ બન્યા છે. બરબાદ થઇ ગયા છે, જમીનદોસ્ત થઇ ગયા છે. હાથીમલ્લ હતા તે કીડીમલ્લ થઇ ગયા છે. સાચા પહેલવાન હતા તે મંકોડી પહેલવાન બની ગયા છે.’

‘એવું….’ રાજા કહે: ‘એવું કેવી રીતે બને છે?’

‘હ-હ’ વજીર કહે: એવું એટલા માટે બને છે કે તમે બળવાન હશો તો એ કળવાન છે, તમે કસેલા હશો તો એ વસેલો છે, તમે ઉંદર હશો તો એ છછુંદર છે, તમે ટક્કર હશો તો એ ચક્કર છે, તમે બળ હશો તો એ પીછો છે, તમે કાયા હશો તો એ માયા છે…

‘બસ’, હારીને કંટાળેલા રાજા બોલી ઉઠ્યા, તેઓ જાણતા હતા ક તેઓ જીત્યા છતાં હાર્યા જ છે. બચી ગયા છે એટલું જ.

તેમને પૂછ્યું: ‘અલ્યા એ હ-હર, કહે તો ખરો કે એ ‘અડધો’ છે કોણ?’

‘હ-હ વજીર કહે: ‘રાજાજી, એનું મૂળ નામ વ્યસન છે. તે દૂરથી લોકોને પતાવે છે, છેતરે છે, લોભાવે છે, લલચાવે છે. તમે ગમે તેવા મલ્લ હો, તંદુરસ્ત હો, તગડા હો તેની તેને પરવા નથી. તેનો એ જ દાવ છે. તે તમને જીતવા દે છે. ગુમાન કરવા દે છે. ગર્વ અનુભવવા દે છે, મૂછો પર હાથ ફેરવવા દે છે, પછી પોતાની ચાલ બતાવે છે. તમે તેને પછાડી પછાડીને દૂર ફેંકો છો. તે પાસે આવે છે હરવા અને હરાવવા. તમે માનો છો કે તમે જીતો છો. જીતવા દે છે તમને. પણ એ અંતિમ જીતમાં માને છે કે છેવટની જીત તો તેની જ થવાની છે. એ અડધો માણસ પૂરો છે. પાવરધો છે, ફાલેલો છે, ફેલાયેલો છે. હ-હ…’

રાજા એલેક્સીન કહે: ‘બોલ બોલ, મને કંઈક સમજાવવા લાગ્યું છે.’

વજીર કહે: ‘હ-હ’! સમજાયું એટલે જ બચી ગયા રાજાન! બાકી એને માની બીડીમાંથી ચિરૂટ અને ચુંગી બનતાં વાર નથી લાગતી. નાકી એને નાની પ્યાલીમાંથી મોટો શીશો બનતાં આવડે છે, બાકી એ તણખામાંથી ભડકો કરી શકે છે, બાકી એ સાલસમાંથી આળસ શું, આળસનો પહાડ બને જ છે. અને છતાં તે અડધો જ રહે છે. ક્ષીણ, ક્ષુદૂર, છૂપો, અદ્રશ્ય, અજાણ્યો, ભોળો…

હારેલા કે જીતેલા (?) રાજાને વજીરે બેઠા કર્યા : હ-હ ! ટેકો દઈને પહેલવાનને ઉભા કર્યા: હ-હ ! હાથ પકડીને હલાવ્યા, પગ પકડીને ચલાવ્યા, માથું પકડીને ભાનમાં આણ્યા.

રાજાની ફરતી દુનિયા કઈક સ્થિર થઇ, તેનું ઘુમરાતું માથું સહેજ સ્થિર થયું. તેમનો હ્હ્ડાટ જરાક ફફડાટ પામીને કકડાટ થયો. ત્યારે પેલા અડધા માણસ ‘હેનર-ડીન’ તરફ નજર નાખી….

‘હ-હ’ વડવા જેવા વજીરે કહ્યું: ‘નહિ, એ તરફ જોશો જ નહિ. એનાથી દૂર રહો. અજાણ્યા જ રહો. એની ઓળખાણ કરવા જેવી નથી. એની સાથેની લડાઈ યાદ રાખવા જેવી નથી. એની જીત છેતરામણી છે, એની હાર વળી એથીય છેતરામણી છે. બચીને રહ્યા છો, તો બચીને રહો, અહમ, ગુમાન, ગર્વ, અહંકાર……. એના કંઈ કંઈ છુપા રૂપ અને સ્વરૂપ છે….’

રાજા એલેક્સીન જાણે વજીર બન્યા હોય તેમ વજીરની જ વાણી આગળ વધારીને કહેવા લાગ્યા : ‘હ-હ ! હ-હ !! હ-હ-હ !!!’

← ચમત્કારિક વાસ્તવ-કથા - ત્રાંબાના ત્રણ સિક્કા (April 2014) કલ્પના કે વાસ્તવ (March 2014) →

Leave A Reply